શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઇ.કે.જાડેજા કોરોના સંક્રમિત  

6 days ago 1

ગાંધીનગર: રાજ્ય સરકારમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોના સંક્રમિત થયા છે. વિધાનસભાના બજેટ સત્રમાં કેટલાક ધારાસભ્યો, અધિકારીઓ કોરોના પોઝિટિવ થયા પછી શિક્ષણપ્રધાનનું નામ પણ કોરોના સંક્રમિતોમાં ઉમેરાયું છે. આ સાથે ભાજપના નેતા આઇ.કે. જાડેજા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ડોક્ટરની સલાહ મુજબ હાલ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે.

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (70)એ માર્ચમાં જ કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો હતો. તેમણે છ માર્ચે  ટ્વીટર હેન્ડલ પર રસી લેતા ફોટોગ્રાફ્સ મૂકીને પોતે રસી લીધી હોવાની માહિતી આપી હતી અને નાગરિકોને પણ રસી લેવા માટે અપીલ કરી હતી.

આ સાથે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા ભાજપના ત્રણ ઉમેદવારોને ચૂંટણીપ્રક્રિયા દરમિયાન કોરોના થયો છે. જેમાં ભાજપના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલ અને ભાજપના અન્ય બે ઉમેદવારો રાજુ પટેલ અને ગીતા પટેલ કોરોના સંક્રમિત થયા છે.

આજે મારા મતવિસ્તાર ધોળકાના ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ-૧૯ની રસી લીધી. આ રસીથી કોઈ આડઅસર નથી થતી અને આ રસી સલામત છે.જયારે દરેક નાગરિક રસી લેશે,ત્યારે જ આપણે સૌ કોરોના મહામારી સામેની લડતમાં સફળ થઈશું.સમાજને કોરોનાથી સુરક્ષિત કરવા મારી સૌને રસી લેવા માટે નમ્ર વિનંતી છે. pic.twitter.com/TolxxiJqUu

— Bhupendrasinh Chudasama (@imBhupendrasinh) March 6, 2021

આ સાથે IAS પંકજકુમાર અને તેમનો પરિવાર પણ કોરોના સંક્રમિત થયો છે. તેમને પણ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત મુખ્ય પ્રધાન ઓફિસના નાયબ માહિતી નિયામક ઉદયભાઈ વૈષ્ણવ તથા મુખ્ય પ્રધાનની સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં વીઆઇપીની સુરક્ષામાં તહેનાત 17 જવાનો પણ કોરોના સંક્રમિત માલૂમ પડ્યા છે, જ્યારે આરોગ્યપ્રધાનની ઓફિસમાં ત્રણ કર્મચારીઓ સંક્રમિત થયા છે.હાલમાં જ રાજ્ય વિધાનસભાના સત્ર દરમ્યાન નવ ધારાસભ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તો સત્ર પૂર્ણ થયા બાદ ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને પણ કોરોનાનું સંક્રમણ થયું હતું.

 

 

 

Read Entire Article