બોગસ ખેડૂતો પાસેથી પાઈ પાઈ વસૂલશે સરકાર, જાણો કોણ કિસાન સન્માન નિધિ યોજનાના હકદાર નથી

6 days ago 1


-  મોટા પાયે સરકારી કર્મચારીઓ અને સુખી સંપન્ન લોકો યોજનાનો લાભ ઉઠાવી રહ્યા હોવાની ફરિયાદ

નવી દિલ્હી, તા. 8 એપ્રિલ, 2021, ગુરૂવાર

સમગ્ર દેશના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આઠમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે યોગ્ય લાભાર્થી ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા મોકલે છે. ખેડૂતોને આ રકમ 3 હપ્તામાં મળે છે. સરકાર જરૂરિયાતવાળા ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તે માટે પ્રયત્ન કરી રહી છે. 

પરંતુ જરૂરિયાત ધરાવતા ખેડૂતોની સાથે સાથે એવા લોકો પણ ખેડૂતો બની ગયા છે જેમને ખેતી સાથે કોઈ લેવા-દેવા જ નથી. હવે આવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કિસાન સન્માન નિધિ યોજનામાંથી આવા લોકોના નામ દૂર કરવાની સાથે સાથે તેમને ચુકવવામાં આવેલી રકમની પણ વસૂલાત થઈ રહી છે. 

સરકારને મોટા પાયે સરકારી કર્મચારીઓ અને સુખી સંપન્ન લોકો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઉઠાવી રહ્યા હોવાની ફરિયાદ મળી છે. ઉપરાંત આવકવેરો ભરતા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે જે આ યોજનાના ક્ષેત્રમાં નથી આવતા. 

નિયમ પ્રમાણે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતના નામે ખેતર હોવું જરૂરી છે. જો જમીન દાદા-પિતાના નામે હશે તો લાભ નહીં મળે. કાર્યરત સરકારી કર્મચારી કે રિટાયર્ડ કર્મચારી આ યોજનાનો લાભ ન લઈ શકે. ઉપરાંત રજિસ્ટર્ડ ડોક્ટર્સ, એન્જિનિયર્સ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વાસ્તુકારો અને તેમના પરિવારના સદસ્ય પણ આ યોજનાનો લાભ ન લઈ શકે. જો રજિસ્ટર્ડ ખેતી યોગ્ય જમીન પર ખેડૂત બીજું કોઈ કામ કરતો હોય તો પણ યોજનાનો લાભ ન લઈ શકે. આ યોજનાનું સંપૂર્ણ ફંડ કેન્દ્ર સરકાર આપે છે અને પ્રત્યેક લાભાર્થીને 2,000 રૂપિયાનો એક એવા 3 હપ્તા વર્ષ દરમિયાન મળે છે. 

Read Entire Article