દિશા રવિને દિલ્હીની કોર્ટે શરતી-જામીન મંજૂર કર્યા

1 week ago 1

નવી દિલ્હીઃ દિલ્હીના એડિશનલ સેશન્સ જજે ટૂલકિટ કેસમાં બેંગલુરુસ્થિત 22-વર્ષીય ક્લાયમેટ કાર્યકર્તા દિશા રવિને આજે જામીન મંજૂર કર્યા છે. જજે સુનાવણી કરતા કહ્યું કે દિશા સામે દિલ્હી પોલીસે જે પુરાવા રજૂ કર્યા છે તે અલ્પ અને અધૂરા છે. આ બાબતને ધ્યાનમાં લઈને જેની સામે કોઈ ક્રિમિનલ ફરિયાદો નોંધાઈ નથી એવી આ 22 વર્ષીય છોકરી માટે જામીનના નિયમનું ઉલ્લંઘન કરવાનું મને કોઈ ઉચિત કારણ જણાતું નથી. કોર્ટે જોકે દિશાને જામીન એ શરતે મંજૂર કર્યા છે કે તેણે દેશ છોડીને જવું નહીં અને કેસમાં હાલ ચાલી રહેલી તપાસમાં સહકાર આપવો.

હાલ ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સંબંધિત ટૂલકિટ ષડયંત્ર કેસમાં દિશા સામે ષડયંત્રમાં સામેલ થવાનો અને દેશદ્રોહનો આરોપ મૂકાયો છે. ગઈ 13 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસે એની બેંગલુરુમાંથી ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે સ્વીડિશ ક્લાયમેટ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા ગૂગલ દસ્તાવેજ (ટૂલકિટ)ને ટ્વિટર હેન્ડલ પર અપલોડ કર્યું હતું અને બાદમાં એને ડિલીટ કરી દીધું હતું. એ ટૂલકિટ દિશા તથા અન્ય બે કાર્યકર્તા – નિકિતા જેકબ અને શાંતનૂ મુલુકે તૈયાર કર્યું હતું.

Read Entire Article