કેન્દ્રએ દિલ્હી, મહારાષ્ટ્ર અને પંજાબને ચિઠ્ઠી લખીને વેક્સિનેશનની ઝડપ વધારવા કરી ટકોર

6 days ago 1


- વેક્સિનેશન મામલે આ રાજ્યો રાષ્ટ્રીય સરેરાશથી પણ પાછળ હોવાનો દાવો

નવી દિલ્હી, તા. 8 એપ્રિલ, 2021, ગુરૂવાર

એક તરફ દેશમમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વેક્સિનેશનને લઈ તડાફડી જામી છે. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોએ વેક્સિનની તંગીનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારે હવે કેન્દ્ર સરકારે વેક્સિનેશનની ધીમી ગતિને લઈ કેટલાક રાજ્યોને ચિઠ્ઠી મોકલી છે. કેન્દ્રએ પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્રને ચિઠ્ઠી લખીને તેઓ વેક્સિનેશન મામલે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ પાછળ ચાલતા હોવાનો દાવો કર્યો છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મનોહર અગનાનીએ પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્રના પ્રિન્સિપલ સેક્રેટરીને ચિઠ્ઠી લખી છે જેમાં વેક્સિનેશનની ધીમી ગતિ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. તેમણે મહારાષ્ટ્રના સેક્રેટરીને લખ્યું હતું કે, મહારાષ્ટ્રને અત્યાર સુધીમાં વેક્સિનના 1,06,19,190 ડોઝ આપવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી 90,53,523 ડોઝનો જ ઉપયોગ થયો છે અને તેમાં વેસ્ટેજનો પણ સમાવેશ થઈ જાય છે. મહારાષ્ટ્રમાં પહેલો ડોઝ 85.95 ટકા હેલ્થકેર વર્કર્સને લગાવવામાં આવ્યો છે જ્યારે બીજો ડોઝ માત્ર 41 ટકાને લાગ્યો છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 51 ટકાથી પણ વધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આમાં સુધારો લાવવા કહ્યું છે. ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં પણ મહારાષ્ટ્ર રાષ્ટ્રીય સરેરાશથી પાછળ છે. 

દિલ્હીને વેક્સિનના 23,70,710 ડોઝ આપવામાં આવ્યા છે જેમાંથી 18,70,662નો ઉપયોગ થયો છે, તેમાં વેસ્ટેજ પણ સામેલ છે. હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ આપવા મામલે પણ દિલ્હી રાષ્ટ્રીય સરેરાશથી ખૂબ પાછળ છે. જો પંજાબની વાત કરીએ તો ત્યાં 22,36,770 ડોઝ મોકલવામાં આવેલા જેમાંથી માત્ર 14,94,663 ડોઝનો જ ઉપયોગ થયો છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે લખ્યું હતું કે, તમામ રાજ્યોએ વેક્સિનેશનની ઝડપ વધારવી પડશે. હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કરને વેક્સિન આપવાની સખત જરૂર છે કારણ કે, કોરોનાના વધતા કેસ વચ્ચે તેઓ લડાઈમાં સૌથી આગળ છે. 

હકીકતે, મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોએ કેન્દ્ર પર વેક્સિનના ધીમા સપ્લાયનો આરોપ લગાવ્યો હતો. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશે વેક્સિનની તંગી છે અને 1-2 દિવસનો સ્ટોક જ બચ્યો હોવાનો દાવો કર્યો હતો. પરંતુ કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધને કોઈ રાજ્ય પાસે વેક્સિનની તંગી નથી પણ તેઓ પોતાની ખામી સંતાડવા આવી વાત કરે છે તેમ જણાવ્યું હતું. 

Read Entire Article