આદિવાસી વિસ્તારોમાં ખાસ કમલમ ફળનું ઉત્પાદન થશે

1 month ago 2

અમદાવાદ: ચીન, થાઈલેન્ડ, વિયેતનામના પ્રચલિત ક્રેક્ટસ પ્રજાતિના ભારતીય કમલમ કચ્છ પછી હવે આદિવાસી વિસ્તારોમાં પણ ઉગાડાશે. ક્રેક્ટસ પ્રજાતિના અન્ય ફળ કરતા આ ફળની માગમાં વધારો થયો છે અને એટલે જ ભારતીય જ નહીં પણ ગુજરાતના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી પહેલાંના ડ્રેગન ફ્રૂટ અને અત્યારના ‘કમલમ’ ફ્રૂટની ખેતી તરફ વળ્યા છે તેમાં પણ ગુજરાત સરકારે ‘કમલમ’ ફ્રૂટની ખેતીના પ્રોત્સાહન માટે વિધાનસભામાં ખાસ જાેગવાઈ કરી છે. ગુજરાત સરકારના બજેટમાં ખેડૂતલક્ષી ખાસ જાેગવાઈમાં ‘કમલમ’ ફ્રૂટની ખેતી પર ભાર મૂકવામાં આવ્યો છે અને આ સાથે જ પોતાની પરંપરાગત ખેતી છોડી અન્ય ખેતી તરફ ઝૂકી રહેતા ખેડૂતો માટે સારી આશા જાગી છે. ગુજરાત સરકારે કેવડિયાની આસપાસ ૫૦ કિલોમીટરમાં ‘કમલમ’ફ્રૂટના બે લાખના વાવેતર માટે ૧૫ કરોડની જાેગવાઈ કરી છે.

કચ્છના રેતાળ પ્રદેશમાં કરવામાં આવતી ખેતી હવે નર્મદાના કેવડિયાના આદિવાસી વિસ્તારોમાં કરવા પ્રોત્સહન અપાયું છે અને આ માટે રાજ્ય સરકારે ૧૫ કરોડની જાેગવાઈની જાહેરાત કરી છે. અગાઉ પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રોપા લાવી ‘કમલમ’ ફ્રૂટનું વાવેતર કર્યું છે જેનો સારો અનુભવ અન્ય ખેડૂતો માટે પ્રેરણા બની રહ્યો છે. ભારતમાં ઓછામાં ઓછું ૧૦૦ મેટ્રિક ટનનું વાર્ષિક ઉત્પાદન થતું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. અન્ય દેશોમાં ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખાતા ક્રેક્ટસ પ્રજાતિના ભારતીય નામકરણ વાળા ‘કમલમ’ ફ્રૂટનું મૂળ વતન મેક્સિકો છે.

તેનું સૌથી વધુ ઉત્પાદન ચીન, થાઈલેન્ડ અને વિયેતનામમાં થાય છે. પણ હવે ભારતીય ખેડૂતો પણ આ દિશામાં નવી પહેલ કરી રહ્યા છે સૌથી પહેલા કચ્છના રેતાળ પ્રદેશમાં ખારેકની ખેતીના સફળ પ્રયોગ પછી ડ્રેગન ફ્રૂટ એટલે કે ‘કમલમ’ ફ્રૂટનો પણ સફળ પ્રયોગ થયો હતો અને આ જ સફળ પ્રયોગે ગુજરાતના જામનગર, અમરેલી અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવેતર શરૂ કરાવ્યુ છે.

અમેરિકા, યુરોપિયન યુનિયનના કેટલાક દેશની સાથે ભારતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી ‘કમલમ’ ફ્રૂટની માગમાં વધારો થયો છે. અને આ જ કારણે ગુજરાતના ખેડૂતોએ નવુ સાહસ કર્યું છે જેને હવે ગુજરાત સરકારે સહકાર પણ પૂરો પાડ્યો છે. કમલમ ફ્રૂટ ખાસ કરીને પ્લેટલેટ્‌સ વધારવામાં ઘણું જ ફાયદાકરક છે. એક પ્રકારના ક્રેક્ટસમાંથી ઉગતુ હોવા છતા મીઠું મધુરુ હોય છે તેમ છતાં ડાયાબિટીશના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે.

કારણ કે તે સુગરનું પ્રમાણ નિયંત્રણમાં રાખી શકે છે. કોલસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે છે તેથી હદયની બીમારી દૂર રહે છે. હિમોગ્લોબિનનું જાેખમ ઘટાડે છે જેથી વજન નિયંત્રણમાં રહે છે. ‘કમલમ’ ફ્રૂટના પલ્પમાંથી જ્યુસ પણ બને છે જે શરીરના કોષોની સારવાર પણ કરે છે. આમ તો ‘કમલમ’ ફ્રૂટના અનેક પ્રકાર છે પણ તેમાં મુખ્ય બે જાત સૌથી વધુ પ્રચલિત છે એક છે પિન્ક છાલ અને અંદર પણ પિન્ક પલ્પ, જ્યારે બીજી પીન્ક છાલ અને સફેદ પલ્પ. રેતાળ અને કોરાળું જમીન સૌથી વધુ માફક આવે છે. ક્રેક્ટસ પ્રજાતિનું હોવાથી પાણીની ઓછી જરૂરિયાત રહે છે.

એક વખત તેમાંથી ફ્રૂટ કાઢી લેવામાં આવે તો પણ તેમાં અનેક વખત ભલે લાંબા સમયે પણ ફળ આવ્યા કરે છે. બીજ રોપીને પણ આ ફળનું વાવેતર થાય છે અને તેની શાખાઓ એટલે કે ડાળી કાપીને પણ તેનું વાવેતર કરી શકાય છે એટલે કે બીજ માટે અલગથી ખર્ચ નથી કરવો પડતો. એક જ છોડમાંથી અનેક છોડ ઉગાડી શકાય છે. ખાસ કરીને જાે ખર્ચ વધુ થાય તો તે છે તેની કોલમ માટે કારણ કે જાે કોલમ મજબૂત હોય તો જ છોડની શાખાઓની વિકાસ સારી રીતે થઈ શખે છે. સૌથી મોટી વાત આ છોડની એ છે કે તેમાં રોગ લાગવાની સંભાવના ઘણી જ ઓછી છે.

વાવેતરના પ્રથમ વર્ષે જ તેને ફળ બેસવા શરૂ થાય છે અને મેથી જૂન વચ્ચે ફૂલ બેસે છે અને ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે ફળ આપે છે. કમલમ ફ્રૂટના રોપાની ખરીદીથી લઈ લણણી સુધીના તમામ પ્રકારનો ખર્ચ અદાંજિત ૭૦ થી ૮૦ હજાર રૂપિયા જેટલો આવે છે. તેની સામે પ્રતિછોડ વર્ષે લગભગ ૨૦થી ૨૫ કિલો ફળનું ઉત્પાદન આપે છે. આમ પ્રતિ એકર લગભગ પંચ ટન ફળનું વાર્ષિક ઉત્પાદન થાય છે. સામાન્ય રીતે બજારમાં ૧૨૫થી ૩૦૦ રૂપિયે કિલોના ભાવે ‘કમલમ’ ફ્રૂટ મળી રહે છે. આમ ઓછા ખર્ચમાં વધુ નફો રળી આપતી આ ખેતી આગામી દિવસોમાં કેવડિયાના આદિવાસી ખેડૂતો માટે આશીર્વાદ બની શકે તેમ છે તેવું કહેવામાં કઈ જ અતિશયોક્તિ નથી.

Read Entire Article