અમિત શાહ આજે અમદાવાદ આવશે, ભાજપના વિજયોત્સવની ઉજવણીની સાથે મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરશે

5 days ago 1

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીઓના મતની ગણતરી ચાલી રહી છે; ત્યારે શરૂઆતનાં વલણોમાં ભાજપ આગળ રહ્યું છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર અમદાવાદ આવશે. તેઓ મહાનગરપાલિકામાં ભાજપના વિજયની ઉજવણી કરશે. એ ઉપરાંત 24 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું મોટેરા ખાતે ઉદઘાટન કરશે તેમની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર રહેશે. અમિત શાહ આજે અમદાવાદ આવશે.

રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેઓના ધર્મપત્ની સવિતા કોવિંદનું સ્વાગત-સત્કાર રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ કમલ દયાની, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ ઉપસ્થિત રહીને કર્યા હતા.

અમદાવાદ મહાનગરપાલિકામાં મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં આવ્યા હતા. તેમણે નારણપુરા ખાતે સપરિવાર મતદાન કર્યું હતું. તેઓ પત્ની તથા પુત્રવધૂ સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાના કારણસર શહેરના નારણપુરામાં મતદાન મથક હાઇ સિક્યોરિટી ઝોનમાં ફેરવાયું હતું.

24 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં હાજર રહેવાના હોઈ લોખંડી બંદોબસ્ત ખડકવામાં આવ્યો છે. પોલીસ જવાનોને મેદાનની અંદર અને બહાર પોઇન્ટ ફાળવવામાં આવ્યા છે. પોલીસ સિવાય 24 ફેબ્રુઆરીથી 300 ખાનગી સિક્યોરિટીના જવાનો પણ મેદાનની અંદર સુરક્ષા બંદોબસ્તમાં જોડાશે. 24 ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ – ડે નાઈટ ટેસ્ટ મેચ રમાશે. મેચ શરૂ થાય તે પહેલાં આવતીકાલે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. અને આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.

The post અમિત શાહ આજે અમદાવાદ આવશે, ભાજપના વિજયોત્સવની ઉજવણીની સાથે મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરશે appeared first on Rakhewal Daily.

Read Entire Article